ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ:
રોજમદારોને પગાર તથા પ્રજાજનોને સરળતાથી પાણી પૂરું પાડવાના પ્રયાસોમાં ઈજારદારની બેદરકારી બહાર આવશે તો તે સાંખી નહિ લેવાય : નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જેવા વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં વસતા પ્રજાજનોને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સતત ચિંતિત અને પ્રયાસરત રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉદ્દેશની પૂર્તિમાં જો કોઈ ઈજારદારની બેદરકારી બહાર આવશે તો તે સાંખી નહિ લેવાશે સાથે જ રોજમદારોને પગાર ચુકવણું કરવામાં નહી આવે તો એજન્સીને બ્લેક લિસ્ટેડ કરવાની ત્વરિત પ્રક્રિયા હાથ ધરવા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે સ્પષ્ટ પણે પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આહવાના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી એક સમિક્ષા બેઠકમાં જિલ્લાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સૂક્ષ્મ સમિક્ષા કરતા નાયબ મુખ્ય દંડકશ્રીએ, ખાસ કરીને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે સૌ સંવેદનશીલ બને તે ખૂબ જરૂરી છે તેમ કહ્યું હતું.
ગ્રામ્ય કક્ષાએ અમલી પાણી પુરવઠા વિભાગની વિવિધ ૨૭ જેટલી યોજનાઓ માટેની અમલીકરણ એજન્સી અને તેનું સંચાલન કરતી પાણી સમિતિઓ વચ્ચે સંકલનના અભાવે પ્રજાજનોને પાણીની મુશ્કેલી ન અનુભવવી પડે તેનું ધ્યાન રાખવાની તાકીદ કરતાં શ્રી વિજયભાઈ પટેલે જિલ્લાના ત્રણેય તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી ચોમાસા સુધી પાણી પહોંચાડવાના આયોજનની જાણકારી મેળવી ઉપયોગી સૂચનો કર્યા હતા.
આ સાથે જ જો કોઇ ઇજારાદારો જેઓ પોતાના હસ્તકની પાણી પુરવઠા યોજનામાં કામ કરતાં રોજમદારોને જો સમયસર પગાર ચુકવણાં નહી કરે અને લોકોને પુરતુ પાણી પહોચાડવાની કામગીરીમાં જો કચાશ રાખશે તો તે સાંખી નહિ લેવાં તેમજ યોગ્ય કામગીરી નહી કરનાર એજન્સીને બ્લેક લિસ્ટેડ કરવાં સ્પષ્ટ પણે જણાવ્યું હતું.
પાણી જેવા પ્રાણ પ્રશ્ને પાણી પુરવઠા, વાસ્મો, યાંત્રિક વિભાગ, સિંચાઈ જેવા વિભાગોના અધિકારીઓએ સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કેળવી, પાણીના વ્યય સામે પણ સાવચેતી કેળવવાની સૂચના આપી હતી.
જિલ્લામાં અમલી જુદી જુદી પાણી પુરવઠા યોજનાઓની વિસ્તૃત જાણકારી મેળવતા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, યોજનાથી વંચિત ગામોને પણ પાણીની સુવિધાઓ સુપેરે પહોંચે તે જોવાની તાકીદ કરી હતી.
પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે અમલી લાંબાગાળાની યોજનાઓની પ્રગતિની સમીક્ષા પણ નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે આ વેળા હાથ ધરી હતી.
બેઠકમા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સાથે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા ના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન, સહિત આહવા અને વઘઈ તાલુકા પંચાયતોના પ્રમુખશ્રીઓ સર્વશ્રી સુરેશભાઈ ચૌધરી અને ચંદરભાઈ ગાવિત સહિત પાણી સાથે સંકળાયેલા જુદા જુદા વિભાગના અધિકારી/કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.