મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત એક દિવસીય કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત એક દિવસીય કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો :
રામુભાઇ માહલા, ડાંગ: મહિલા અને બાળ અધિકારીની કચેરી, આહવા તથા આગાખાન ગ્રામ સમર્થન સંસ્થાના સયુંકત ઉપક્રમે, તારીખ ૨૮/૬/૨૦૨૪ રોજ ડાંગ જિલ્લાના આહવા સ્થિત ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે, કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત એક દિવસીય કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ વિભાગના કર્મચારીઓએ, મહિલાઓને કાયદાકીય માહિતી આપી હતી. જેમાં પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧-મહિલા હેલ્પલાઈન, તેમજ સરકારની મહિલાલક્ષી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી.
દરમિયાન એડવોકેટ શ્રી મીતેશભાઇ દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ હેઠળ કાયદાકીય માહિતી, સુરક્ષા અંગેનો હુકમ, રહેઠાણ અંગેનો હુકમ, નાણાંકીય રાહત, અને ભરણ પોષણનો હુકમ, બાળકના કબજા અંગેનો હુકમ, વચગાળા અંગેનો હુકમ બાબતે માહિતી આપવામાં આવી હતી.
આગાખાન સંસ્થાના કલસ્ટર મેનેજર શ્રી કિર્તીભાઇ દ્વારા છેવાડાની મહિલા સુધી દરેક યોજનાઓ કઇ રીતે પોહચાડવી, તે અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું. તેમજ એરિયા મેનેજર સુશ્રી અંજલીબેન દ્વારા મહિલાઓને મળતા લાભો વિશે જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી આહવા વિભાગ મહિલા બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિ. આહવાના પ્રમુખ શ્રીમતિ સવિતાબેન, મહિલા અને બાળ અધિકારીની કચેરીના જિલ્લા કો-ઓડીનેટર સુશ્રી મરિયમબેન ગામીત સહિતના કર્મચારીઓ, તેમજ ડાંગ જિલ્લાના વિવિધ ગામની ૨૫૦ જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.