ડાંગ જિલ્લામાં આધાર અપડેટ માટે વહીવટીતંત્રની ભૂંડી ભૂમિકા: જનતામાં આક્રોશ
લોકો મહારાષ્ટ્ર રાજ્યમાં આધાર અપડેટ કરાવી રહ્યા છે: તંત્રની ઘોર બેદરકારી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં આધાર અપડેટ માટે વહીવટીતંત્રની ભૂંડી ભૂમિકા: જનતામાં આક્રોશ
લોકો મહારાષ્ટ્ર રાજ્યમાં આધાર અપડેટ કરાવી રહ્યા છે: તંત્રની ઘોર બેદરકારી
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: સમગ્ર ભારત વિશ્વ સાથે ડિજિટલ યુગમાં કદમ મિલાવી રહયું છે, અને વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહયું છે, ત્યારે ડાંગ જિલ્લામાં ડિજિટલાયજેશન ના નામે ‘ દિવા તળે અંધારું’ હોય તેમ લાગી રહ્યું છે જિલ્લામાં આધાર અપડેટની સુવિધા ન મળવાથી નાગરિકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. તેમ છતાં ડાંગ જિલ્લાનું વહીવટીતંત્ર દિવસે ને દિવસે વિકાસ થતો હોવાના કાર્યક્રમો યોજી, વિકાસની પીપૂડી વગાડી થાકવાનું નામજ લેતું નથી જિલ્લાના નાગરિકો રેશનકાર્ડ E-kyc અને શાળામાં ભણતા પોતાના બાળકો શિષ્યવૃતિ મળે તેના માટે આધાર અપડેટ માટે આધાર સેન્ટરો પર લાંબી લાંબી કતારો લગાવી ઊભા રહી દિવસ આખો વેડફી રહયા છે. હજી સુધી આધાર અપડેટની કતારો આધાર સેન્ટરો પર ઘટવાનું નામજ લેતી નથી. વહીવટીતંત્ર જિલ્લામાં આધાર અપડેટની સુવિધા ન પૂરી પાડી શકતા હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાની શાળામાં ભણતા વિદ્યાર્થી સ્કોલરશીપ અને ગરીબી રેખા હેઠળ મળતું રાહત દરે રાશન મેળવવા માટે E- kyc કરવું જરૂરી છે જેના માટે આધાર અપડેટ ન હોય તો આધાર અપડેટ કરવું જરૂરી છે. જેના માટે જિલ્લાના આધાર સેન્ટરો ઉપર લાંબી લાંબી આધાર અપડેટ માટેની કતારો લાગી છે. નાગરિકોને ૩૦-૪૫ દિવસ પછી એપોઇન્ટમેન્ટ આધાર અપડેટ કરતા ઓપરેટર દ્વારા આપવામાં આવી રહી છે. જેથી નાગરિકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે કે, આપણો આધાર અપડેટ ક્યારે થશે અને e-kyc ક્યારે કરીશું. લોકોમાં ચિંતાના વાદળો ઘેરાયેલાં જોવા મળી રહ્યા છે.
આધાર અપડેટ માટે જિલ્લામાં લાંબી કતારો જોઈને જિલ્લાના નાગરિકો મહારાષ્ટ્ર રાજ્યમાં જઈને આધાર અપડેટ કરાવી રહ્યા છે જે ડાંગ જિલ્લાના વહીવટીતંત્ર માટે શરમજનક બાબત ગણાવી શકાય. વિકાસની પોલ પોતાના જ જિલ્લાના નાગરિકો ખોલી રહ્યા છે. જિલ્લાના નાગરિકો આધાર અપડેટ માટે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા આધાર સેન્ટરો તરફ વળી રહ્યા છે. મોટા ભાગના દક્ષિણ ડાંગના લોકો આધાર અપડેટ માટે મહારાષ્ટ્ર રાજ્યમા જઈને આધાર અપડેટ કરી રહ્યા છે. જેથી આધાર અપડેટ કરી E-kyc કરી શકાય.
ડાંગ જિલ્લાના વહીવટીતંત્ર માટે શરમજનક વાત ગણાવી શકાય કે પોતાના રાજ્યના અને જિલ્લાના નાગરિકોને આધાર અપડેટ ની સુવિધા ન મળતાં બીજા રાજ્યમાં જઈને આધાર અપડેટની સુવિધા મેળવી રહ્યા છે. જિલ્લાના નાગરિકોનો વિશ્વાસ જિલ્લાનું વહીવટીતંત્ર પરથી ઉઠી રહ્યું છે. વહીવટીતંત્ર આ બાબતે જાગશે કે, “હમ જેશે હૈ વેશે હિ રહેંગે” અને પ્રજા હેરાન પરેશાન થતી રહશે ….?