વઘઈ આહવા રોડ પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા, બાઈક ચાલકનું મોત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વઘઈ આહવા રોડ પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા, બાઈક ચાલકનું મોત:
દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લો પહાડો અને ડુંગરોથી ઘેરાયેલો જિલ્લો છે જે જિલ્લાના કુદરતી સૌંદર્યને નીખારે છે. પહાડો અને ડુંગરો વધુ હોવાથી જિલ્લાના રસ્તા વાંકાચૂકા સર્પાકાર આકારના હોવાથી વાહન નિયમબધ્ધ ધિમી ગતીએ ચલાવવું અતી આવશ્યક હોય છે. પરંતુ આજની યુવાપેઢી એ વાતને સમજતી નથી. “વાહનની ધીમી ગતિ લાંબુ આયુષ્ય તરફ દોરી જાય” પણ આજની યુવાપેઢી એ વાતને સમજવા જ માંગતી નથી. અને બેફામ વાહન હંકારી લાવી અકસ્માત કરી બેસતી હોય છે. તેવી જ એક અકસ્માતની ઘટનાથી પરીવારનો દિપક બુઝાઈ જવા પામ્યો છે. જીએસઆરટીસીની બિલીમોરા આહવા બસ નં.GJ-18-Z-8462 જતી બસ વઘઈથી આહવા રોડ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે પીંપરી ગામ નજીક આવેલી જીવન જ્યોત સ્કૂલના મેઈન ગેટ સામેના વળાંક પાસે સામેથી મોટર સાઇકલ નં.GJ-15-AE-4072 રોંગ સાઇડ અને પુર ઝડપે હંકારી લાવી બસ સાથે અથડાવી દેતા અકસ્માતની ઘટના બનવા પામી હતી. બાઈક ચાલક વીરૂભાઈ પવાર ( રહે.જામનવિહીર તા.આહવા જી.ડાંગ) ના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. તે દરમિયાન બસના ચાલકે ઘાયલ બાઈક ચાલકને ઝડપથી સારવાર મળે તે હેતુથી 108 ને કોલ કરી સારવારની મદદ માંગી હતી. પરંતુ વધારે ઘવાયેલ હોવાથી 108 ની વાટ જોવા કરતા બસ ચાલક અને કંડક્ટરે સૂઝબૂઝ દાખવી ખાનગી પિક અપ ગાડીમાં બેસાડી જલ્દી સારવાર મળી રહે તે માટે વઘઈ CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ વધુ ગંભીરરીતે ઘવાયેલ હોવાથી સારવાર મળે તે પહેલા જ બાઈક ચાલકે દમ તોડયો હતો. અને ફરજ પરના ડોક્ટરે ઘાયલ બાઈક ચાલકને તપાસતાં તેનું મોત જાહેર કર્યું હતું. આ સમગ્ર મામલે અકસ્માત અંગે વઘઈ પોલીસ મથકે બી.એન.એસ. અધિનિયમ હેઠળ આવતી કલમો – 281,125 (a), 125(b), 106 (1) અને મોટર વાહન અધિનિયમ હેઠળની કલમો – 177, 184 મુજબ વઘઈ પોલીસે ગુનો નોંધી આગળની બનતી કાર્યવાહી હાથ ધરી છે.