Breaking News

હોટેલમા રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન કરવી ફરજિયાત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

હોટેલમા રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન કરવી ફરજિયાત:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ગુજરાત સહિત સમગ્ર દેશમા આતંકવાદ અને ત્રાસવાદના કૃત્યોના બનાવની સભાવનાને ધ્યાને રાખી, ગુજરાતના સરહદી વિસ્તારના ડાંગ જિલ્લામા કોઇ અનિચ્છનિય બનાવ ન બને, અને કાયદો-વ્યવસ્થા સુપેરે જળવાઇ રહે તે માટે, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે ધનિષ્ઠ ચેકીંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

ડાંગ જિલ્લામા આવેલા વિખ્યાત ગિરિમથક સાપુતારા ખુબ જ મહત્વનુ પ્રવાસન સ્થાક હોઈ, અહીં બારેમાસ મોટી સંખ્યામા દેશ-વિદેશના પ્રવાસીઓની અવર-જવર રહેતી હોય છે. જેનો કોઈ દેશ વિરોધી કે આતંકવાદી તત્વો ગેરલાભ ન ઉઠાવે તે હેતુથી, સમગ્ર જિલ્લા અને તાલુકામા આવેલી હોટલો, લોજ, ગેસ્ટ હાઉસો, ધર્મશાળાઓ, રિસોર્ટ્સ, ટેન્ટ હાઉસ વિગેરેનુ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામા આવે છે. દરમિયાન એવુ જણાયેલ છે કે, હોટલો, લોજ, ગેસ્ટ હાઉસો, ધર્મશાળાઓ વિગેરેમા જે રજીસ્ટરો નિભાવવામા આવે છે. તેમા ઘણી અપૂર્તતા જણાય છે, અને રાત્રી રોકાણ કરનાર તમામ ગેસ્ટની પુરતી માહિતી તથા જે તે વ્યકિતની ચોકકસ ઓળખ મળી શકે તેવા જરૂરી ડોકયુમેન્ટ મેળવવામા આવતા નથી. આ સ્થિતિ બિલકુલ અનિચ્છનિય હોઇ નિયમિત સમયાંતરે તમામ હોટેલોનુ પોલીસ ચેકીંગ ખુબ જરૂરી છે.

જેથી ગુજરાત રાજયમા વેબ ડિઝાઇન કરવામા આવેલા “પથિક” (programme for analysis of travelers and hotel informatics) સોફટવેરનુ અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાંચ ખાતે એક સર્વર કાર્યરત કરાયુ છે. આ સોફટવેરમા હોટલમા રોકાણ કરનાર ગ્રાહકોની માહિતીની હોટલ ખાતેથી ઇન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનુ સીકયોર વેબપોર્ટલ બનાવવામા આવ્યુ છે.

જિલ્લામા આવેલ તમામ હોટલો, રિસોર્ટ્સ, લોજ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ, ટેંટ સિટી અને અન્ય જગ્યાઓ ઉપર કે જ્યા કોઈ પણ વ્યક્તિ આવીને રોકાણ કરે છે. તેમના નામ, સરનામા, મોબાઇલ નંબર ઉપરાંત જે મુસાફરો રાત્રી રોકાણ કરે છે તેઓ જે વાહનમા આવે તે વાહનનો પ્રકાર, વાહન રજીસ્ટ્રેશન નંબર તથા પબ્લીક ટ્રાન્સપોર્ટમા આવેલા હોય તો તે મુજબની તમામ વિગતો, તેમના ઓળખાણના પુરાવા વિગેરે મેળવી તેની નોંધ ‘પથિક’ સોફટવેરમા ફરજીયાત ઓનલાઇન ચઢાવવા બાબતની કાર્યવાહી કરવાની થાય છે.

જે ધ્યાને લઇ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌધરી દ્વારા એક મહત્વનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે.

આ જાહેરનામુ સમગ્ર ડાંગ જિલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તાર (સાપુતારા સહિત)મા લાગુ થશે. આ જાહેરનામુ તારીખ ૧૨મી ડિસેમ્બર-૨૦૨૪થી ૧૦મી ફેબ્રુઆરી-૨૦૨૫ સુધી અમલમા રહેશે.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરવા બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અઘિકારીઓને અઘિકૃત કરવામા આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button