સાપુતારા ખાતે ફોટોગ્રાફરનુ કામ કરતો યુવકે Dream 11 માં રૂપિયા કમાવવાની લાલચમાં 31 હજારથી વધુની રકમ ગુમાવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સાપુતારા ખાતે ફોટોગ્રાફરનુ કામ કરતો યુવકે Dream 11 માં રૂપિયા કમાવવાની લાલચમાં 31 હજારથી વધુની રકમ ગુમાવી:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી અવાર નવાર સાયબર ફ્રોડના કિસ્સાઓ બનતા સાંભળવા મળતાજ હોય છે. તેવામાં ગુજરાત રાજ્યના એકમાત્ર સાપુતારા હીલ સ્ટેશનના ટેબલ પોઇન્ટ ખાતે ફોટોગ્રાફરનુ કામ કરી રોજગારી મેળવતો યુવકને Dreem 11 એપ્લિકેશનમા વિનર બનાવવાની લાલચ આપી ૩૧,૯૯૮ રૂપિયા ભેજાભાજે ખંખેરી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને લઈ યુવકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારાના ટેબલ પોઇન્ટ ખાતે રોશનકુમાર ચંદુ મંડલ (હાલ રહે, થાનાપાડા, તા. સુરગાણા જી.નાશિક, મૂળ રહે.વોર્ડ નં.૦૨, કાશીપુર, જી.શિવહર, બૈરિયા રાજ્ય.બિહાર) જેઓ ફોટોગ્રાફી કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તારીખ ૦૫/૦૪/૨૦૨૫ ના રોજે સાપુતારાના ટેબલ પોઇન્ટ ખાતે નવરાશના સમયે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર રીલ જોઈ રહ્યો હતો. ત્યારે એક રીલના યુઝરના ID malik_mumbai_raal_4 ની ટેલીગ્રામ લિંક આપેલ હતી. જે વીડિયોમાં ટેલીગ્રામ ચેનલમાં જોઈન કરી Dream 11 ગેમ એપ્લિકેશનમાં જીતવા માટે કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું. રોશનકુમારે તે લિંક પર ક્લિક કરી હતી. જેમાં DREAM 11 ગેમ IPL મેચ માટેની વૉટ્સએપ લિંક આપેલ હતી. બાદમાં રોશનકુમારના મોબાઈલ પર અજાણ્યા ઈસમે વોટ્સઅપ દ્રારા મેમ્બરશીપ મારફતે ૧,૯૯૯ રૂપિયા QR CODE થકી મોકલાવવા જણાવ્યું. યુવકે ગુગલ પે ના માધ્યમથી રૂપિયા મોકલી દિધા હતા. જે બાદ ભેજાબાજ અજાણ્યા ઈસમે યુવકને લોભાવવા માટે પ્રથમ રેન્ક માટે રૂ.૧૯,૯૯૯, બીજા રેન્ક માટે રૂ. ૧૮,૯૯૯ , ત્રીજી રેન્ક માટે રૂ.૧૫,૧૯૫, ચોથા રેન્ક માટે રૂ.૧૩,૧૯૯ અને પાંચમાં રેન્ક માટે રૂ.૧૧,૧૯૯ આપવા પડશે. જેવી લોભામણી સ્કીમની માયાજાળમાં યુવકને લલચાવી યુવકે અલગ અલગ ચાર વખત કુલ મળી રૂ.૩૧,૯૯૮ રૂપિયા ગૂગલ પે મારફતે ટ્રાન્સફર કર્યા હતા.
ભેજાબાજ ઈસમ દ્વારા Dream 11 માં બદલાવ કરવાનાં નામે યુવક પાસે ૧૬,૯૯૯ રૂપિયા માંગતા યુવક પાસે રૂપિયા ન હોવાનુ જણાવ્યુ અને ટ્રાન્સફર કરેલ રૂપિયા પાછા આપી દેવા જણાવ્યું હતું. પરંતુ ઈસમે નહીં આપવાનું કહેતા, રોશનકુમારને ફ્રોડ થયું હોય તેમ લાગતાં સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરી પોતાના જોડે થયેલ ઘટના વિશે જણાવી ફરિયાદ કરી હતી. જે છેતરપિંડી બાબતે રોશનકુમારે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સાપુતારાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.