
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત
ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લાના ૨૮,૭૬૬ બાળકો માટે યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો :
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગરથી વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ઉપસ્થિત:
નવસારીઃ નવસારી કલેકટર કચેરીના સભાખંડ ખાતે નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા જિલ્લાની આંગણવાડીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇઍ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકો માટે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે રાજય સરકારના આ ઉત્તમ અભિગમ થકી આંગણવાડીઓના ભૂલકાઓને ઍક આગવી ઓળખ ઉભી થશે. રાજ્ય સરકાર સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ નાના બાળકોની સતત ચિંતા કરી રહી છે. આંગણવાડીમાં આવતા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેમજ બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે કાર્યકર બહેનો સતત પ્રયત્નશીલ રહે છે. બાળકના આરોગ્યની દેખભાળ, રસીકરણ, રેફરલ સેવા, પોષણ, શિક્ષણ વગેરે બાબતે આ બહેનો બાળક માટે માતા યશોદાની ભૂમિકા ભજવે છે.
નવસારી જિલ્લાના ૩ થી ૬ વર્ષની ઉંમરના કુલ ૨૮,૭૬૬ બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત કાર્યક્રમના સ્થળે પ્રતીકરૂપે ૨૧ બાળકોને યુનિફોર્મ તથા હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરે પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતું.
કાર્યક્રમના સ્થળે મહાનુભાવોના હસ્તે બાળકોને પ્રતીકરૂપે હાઈજીનન કીટ તથા ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી રંજનબેને મહેમાનોને આવકારી સ્વાગત પ્રવચન કર્યુ હતું.