સાપુતારા વઘઇ માર્ગ પર એક દિવસમાં ત્રણ અકસ્માતનાં બનાવો બન્યા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા વઘઇ માર્ગ પર એક દિવસમાં ત્રણ અકસ્માતનાં બનાવો બન્યા
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લાનાં સાપુતારા વઘઇ માર્ગ પર જુદા જુદા ત્રણ સ્થળોએ અકસ્માતનાં બનાવો બનવા પામ્યા હતા. કમનસીબે અકસ્માતોમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઈ રહેલી ટ્રક નં. HR-38-Y- 3240 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક માર્ગની સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ પલ્ટી મારી ગઈ હતી. જ્યારે બીજા બનાવમાં સાપુતારા ઘાટમાર્ગમાં જ આઈસર ટેમ્પો માર્ગનાં સાઈડનાં ખાડામાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાપુતારા ઘાટમાર્ગમાં બે સ્થળોએ થયેલા અકસ્માતમાં ટ્રક અને આઈસર ટેમ્પો સહીત માલસામાનનાં જથ્થાને વ્યાપક નુકસાન થવા પામ્યું હતુ. ચાલકો અને ક્લીનરોને નજીવી ઇજાઓ થવા પામી હતી. જ્યારે ત્રીજા અકસ્માતના બનાવમાં વઘઇ સાપુતારાને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં દાબદર ફાટક પાસે સુરતથી સાપુતારા તરફ આવી રહેલી પ્રવાસી કાર નં. GJ- 05-CB-7361નાં ચાલકે કાબુ ગુમાવી દેતા કાર માર્ગની સાઈડમાં ઉતરી જઈ ખાડામાં ખાબકતા અકસ્માતની ઘટના બનવા પામી હતી. કારમાં સવાર યાત્રીઓનો આબાદ બચાવ થયો હતો.