Education

શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે પૂર્વપટ્ટીના સરહદી ગામ ‘કડમાળ’ ખાતે ૨૧ ભૂલકાંઓની નામાંકન કરાવતા નાયબ મુખ્ય દંડકશ્રી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે પૂર્વપટ્ટીના સરહદી ગામ ‘કડમાળ’ ખાતે ૨૧ ભૂલકાંઓની નામાંકન કરાવતા નાયબ મુખ્ય દંડકશ્રી

ગ્રામીણ બાળકોની ક્ષમતાને બહાર લાવવાનું કામ શિક્ષકો બખૂબી નિભાવે:- શ્રી વિજયભાઈ પટેલ

દિનકર બંગાળ, વઘઈ: ધરતીમાતાનું ઋણ ચૂકવવાનો અમૂલ્ય અવસર આપણને મળ્યો છે ત્યારે, તેની ગરિમાને ગૌરવ અપાવે તેવું પ્રકૃતિનું જતન સંર્વધન, એ આપણી સહિયારી જવાબદારી છે તેમ જણાવતા, નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, બેટી પઢાવો-બેટી બચાવોના ઉચ્ચ વિચારોને રજૂ કરનાર દીકરીને બિરદાવી, ગ્રામીણ બાળકોમાં રહેલી ક્ષમતાને બહાર લાવવાનું કપરું કાર્ય ગુરુજનો કરી રહ્યા છે, તેમ જણાવ્યુ હતું.

ભૂતકાળની શાળા, અને બાળકોની દશા અને દિશાનો ચિતાર રજૂ કરતાં શ્રી પટેલે આજના બાળકો માટે જીવનભરનું સંભારણુ બની રહેનારા ‘શાળા પ્રવેશોત્સવ’ જેવા કાર્યક્રમો, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આભારી છે તેમ જણાવ્યું હતું. ભાવિ પેઢી સમાન આપણાં બાળકોના ઉચ્ચ ભવિષ્ય માટે, તેમને સમય ફાળવવાનો અનુરોધ કરતાં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, સરકાર અને શિક્ષકોની સાથે વાલીઓની જાગૃતિ પણ એટલી જ જરૂરી છે એમ કહ્યું હતું.

ખૂબસુરત ડુંગરોની હારમાળા વચ્ચે આવેલા, ડાંગ જિલ્લાના સરહદી ગામ એવા કડમાળ ખાતે આયોજિત ‘શાળા પ્રવેશોત્સવ’ના અંતિમ દિવસે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે કુલ ૨૧ ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

૭૭ ટકા જેટલા સાક્ષરતા દર ધરાવતા આહવા તાલુકાનાં કડમાળ ગામની મિશ્ર શાળા ખાતે બાળકો, અને વાલીઓ તથા ગ્રામજનો સાથે સંવાદ સાધતાં શ્રી વિજયભાઈ પટેલે, રાજ્ય સરકારે છેક છેવાડાના માનવીઓ સુધી સેવા સુવિધા પહોચાડવાની દરકાર રાખી છે તેમ જણાવી, જ્યાં માનવી ત્યાં સુવિધાનું સૂત્ર અહી સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યું છે, તેમ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા ઘાટ વિસ્તારના ગામોના બાળકોમાં રહેલી ક્ષમતાઓને ઓળખી તેને સાચી દિશામાં વાડવાની હિમાયત કરતાં નાયબ મુખ્ય દંડકશ્રીએ, પાડોશી ગામ કરડીઆંબાની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ, તેનું દ્રષ્ટાંત છે તેમ ઉમેર્યું હતું.

ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના સુફળ, આજે ગુજરાતનાં અંતરિયાળ વિસ્તારના ગામોમાં પણ જોઈ શકાય છે, તેમ જણાવતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે શાળાના બાળકોની ઉચ્ચ શિક્ષણ અને ખેલકૂદ ક્ષેત્રે વધેલી રસ અને ઋચિનો મહિમા રજૂ કર્યો હતો.

શાળાના બાળકો દ્વારા જ સંચાલિત કાર્યક્રમ દરમિયાન બાળકોએ પર્યાવરણ જતન, અને કન્યા કેળવણી, બેટી બચાવો-બેટી પઢાઓ વિષયક વિચારો રજૂ કર્યા હતા. મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન, જુદી જુદી પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા વિધાર્થીઓ, સો ટકા હાજરીવાળા બાળકોનું સન્માન અને અભિવાદન કરાયું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.

દરમિયાન આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીએ ‘શાળા પ્રવેશોત્સવ’ જેવા પવિત્ર કાર્યક્રમનો ઉદ્દેશ સ્પસ્ટ કરતા, છેલ્લા ૨૧ વર્ષોથી ચાલી રહેલા આ કાર્યક્રમની સફળતાનો શ્રેય, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે, તેમ કહ્યું હતું.

પોતાની સ્થાનિક બોલીમાં ગ્રામજનોને સમજ આપતા શ્રી ચૌધરીએ, શિક્ષણથી મનુષ્યના જીવનમાં સમજણ કેળવાઈ છે, તેમ કહ્યું હતું. બેટી બચાવો-બેટી પઢાવો, માતા પિતાની સેવાના સંસ્કાર જેવા માનવીય મૂલ્યોની સમજ, તેનું જતન સર્વધન શિક્ષક થકી જ આવે છે, તેમ તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું. એક બાળ એક વૃક્ષની પરિભાષા સ્પસ્ટ કરતાં શ્રી સુરેશભાઇ ચૌધરીએ, વન પર્યાવરણની મહત્તા પણ સ્પસ્ટ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button