Dang

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫: ડાંગ જિલ્લો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫: ડાંગ જિલ્લો

ચૂંટણીનાં કામે ઉપયોગ થનાર તમામ વાહનો માટે પરમિટ મેળવવાની રહેશે:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતો માટે સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓનો વિગત વાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ડાંગ જિલ્લામાં ૫૯ વિભાજન, ૧ મધ્યસત્ર, તથા ૧ પેટા ચૂંટણી મતદાન તા.૨૨/૦૬/ર૦૨૫ ના રોજ સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે.

ચૂંટણી પ્રચારના અભિયાન રૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ઉમેદવારો તરફથી પોત પોતાના મત વિસ્તારમાં પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવતી હોય છે. આ હેતુ માટે તેઓ દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવી તેમજ ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહન સબંધિત ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે જરૂરી છે. ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનોની અસર સામાન્ય જનમાનસ તેમજ પ્રતિસ્પર્ધી ઉમેદવારો ઉપર પણ થાય છે, જેના કારણે સાચી-ખોટી ફરીયાદો ઉપસ્થિત થવાની, ઉમેદવારોના એકબીજા જુથો વચ્ચે મનદુ:ખ તેમજ ઘર્ષણ ઉભું થવાની અને સુલેહશાંતિ ભંગ થવાની સંભાવના રહે છે. આ બાબતો ધ્યાને લેતાં મુકત, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીના સંચાલન હેતુથી ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ ની જોગવાઈઓ મુજબ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે મુજબના હુકમો કરવામાં આવેલ છે.

(૧) મતદાનના દિવસે ઉમેદવાર પોતાના ઉપયોગ માટે એક વાહન તથા મતદાર વિભાગમાં મતદાનની તારીખે ચૂંટણી એજન્ટ અથવા તેના કાર્યકરો અથવા પક્ષીય કાર્યકરો માટે ચૂંટણી અધિકારી દ્વારા આપેલ પરમિટ ધારણ કરેલું એક જ વાહન વાપરી શકશે,
(૨) વાહન ઉપર પરમિટ નંબર પ્રદર્શિત કરવાનું રહેશે,
(૩) આ પ્રતિબંધ સરકારી અધિકારીશ્રીઓ કે ચુંટણી પ્રક્રિયામાં સંકળાયેલા છે તેવા અધિકારીશ્રીઓને લાગુ પડશે નહી,
(૪) ઉમેદવાર / મતદાન એજન્ટ / પક્ષીય કાર્યકરો આવી પરમીટ ધારણ કરેલ વાહનોનો ઉપયોગ ચુંટણી કાર્યના સમય દરમ્યાન મતદારોને લાવવા લઈ જવા માટે, અસામાજિક તત્વોની હેરફેર માટે કે, ગેરકાયદેસર હથિયારોની હેરફેર માટે કરી શકશે નહી,
(૫) કોઈપણ વ્યકિત પોતાના કોઈપણ પ્રકારના વાહનોમાં મતદારોની હેરાફેરી કે તેવા હેતુસર વાહનનો ઉપયોગ કરી શકાશે નહી. વાહનો પોતાના અને પોતાના કુટુંબની વ્યકિતઓ પુરતો મર્યાદિત ઉપયોગ કરી શકશે,
(૬) કોઈપણ રાજકીય પક્ષો કે બીન રાજકીય પક્ષો કે તેમના ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેમની સહમતી થી બીજી કોઈ પણ વ્યકિત દ્વારા મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથક ખાતેથી લઈ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉ૫યોગ કરવા ઉ૫ર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ માટે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

આ જાહેરનામું તારીખ ૨૭/૦૬/૨૦૨૫ના સમય ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામું ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના મત વિસ્તારને લાગુ પડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button