રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે મતદારે ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે મતદારે ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનાર મતદાન માટે મતદાન મથકે આવનાર મતદારે ભારતના ચુંટણી પંચે મતદારને આપેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે.
રાજયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનાર મતદાન માટે મતદાન મથકે આવનાર મતદારે ભારતના ચૂંટણી પંચે મતદારને આપેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) માં કેલીરીકલ ભુલ અથવા જોડણીની ભુલ હોય તો મતદારને મત આપવા માટે તે ભુલ ધ્યાને લેવાની રહેશે નહીં. મતદાર ફોટો ઓળખપત્ર અન્ય વિધાનસભા મત વિસ્તારનું હોય તો પણ મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવાના હેતુસર માન્ય રાખવાનું રહેશે.
પરંતુ જો કોઈ મતદાર આવુ ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ ન કરી શકે તો સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે, રાજય ચૂંટણી આયોગે નીચે મુજબના દસ્તાવેજી પુરાવાઓ માન્ય કરેલ છે.
જેમાં ફોટા સાથેનો પાસપોર્ટ, ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), ફોટા સાથેનું ઈન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ, રાજય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેનાં ઓળખકાર્ડ, પબ્લીક સેક્ટર બેન્કો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ, અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદિજાતિ/અન્ય પછાતવર્ગ (OBC) નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો જેવા કે, માજી સૈનિકોની પેન્શન બુક/પેન્શન પેમેન્ટ ઓર્ડર/માજી સૈનિકની વિધવા/ આશ્રિતોના પ્રમાણપત્રો/મોટી ઉમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચૂંટણી તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખ કાર્ડ, ફોટો સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ), રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના (MNREGS) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબ કાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), કર્મચારી રાજય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ. (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ), નેશનલ પોપ્યુલેશન ૨જીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, UIDAI દ્વારા આપવામાં આવેલ “આધાર” કાર્ડ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાના રહેશે.
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં મતદાન સમયે મતદારોએ રજૂ કરેલ દસ્તાવેજી પુરાવાઓ અંગેની વિગત નિયત મતદાર રજીસ્ટરના સંબંધિત કોલમમાં જરૂરી વિગતો ભરવાની રહેશે. મતદાર દ્વારા મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજુ કરવામાં આવેલ હોય ત્યારે આ માટે (EP) લખવાનું રહેશે. જયારે મતદાર દ્વારા ઉપર પૈકીના કોઈ અન્ય ડોકયુમેન્ટના (મતદારની ઓળખના પૂરાવા તરીકે વપરાતા માન્ય ડોકયુમેન્ટ) રજૂ કરેલ હોય તેવા કિસ્સામાં તે ડોકયુમેન્ટનો પ્રકાર લખીને તે ડોક્યૂમેન્ટના નંબરના છેલ્લા ચાર આંકડા લખવાના રહેશે.