વઘઈના ભવાડી ગામે સંતાનને મળવા જતા પતિએ પત્નીને વાંસના ડંડા વડે માર માર્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
વઘઈના ભવાડી ગામે સંતાનને મળવા જતા પતિએ પત્નીને વાંસના ડંડા વડે માર માર્યો:
દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ ભવાડી ગામે પતિ પત્નીના અવારનવાર ઝગડાઓ થયા હતા બાદમાં બાળકને જોવા માટે તેની માતા આવી હતી. જે બાબતે પતિએ પત્નીને ગાળો ભાંડી, ઢીંકા પાટુંનો માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ ભવાડી ગામે આશરે પાંચ વર્ષ પહેલા કણિકાબેન ( રહે.આહવા રાણી ફળિયા) વિજયભાઈ પવાર (રહે.ભવાડી તા.વઘઈ) જેઓ લગ્ન સંબંધમાં બંધાયા હતા. જેઓનો એક પુત્ર નામે પ્રિન્સ ( ઉમર.૩ ) છે. ત્યાર બાદ પતિ પત્નીના અવારનવાર ઝઘડો થવાથી એક વર્ષ પહેલા કણિકાબેન રિસાઈને પિતાજીના ઘરે ગઈ હતી. જ્યારે કણિકાબેન જેઓ પોતાના બાળકને જોવા માટે તા.૦૧/૦૪/૨૦૨૫ ના રોજ દાદા સૂર્યમણભાઈના ઘરેથી નીકળી બસમાં બેસીને ભવાડી ગામે ગઈ હતી. ત્યારે કણિકાબેનની બહેનપણી શાંતાબેનના ઘરે બેસી હતી. તે વેળાએ તેનો પતિ વિજયભાઈ આવીને પૂછ્યું કે તું શું કરવા અહીંયા આવી છે. ત્યારે કણિકાબેને કહ્યું હું પ્રિન્સને જોવા આવી છું. તેમ કહેતા તેના પતિએ કહ્યું કે હું પ્રિન્સને મળવા દઈશ નહીં. બાદમાં સાંજના ચારેક વાગે ભવાડી ગામના ફાટક તરફ જઈ રહી હતી. ત્યારે સીમગભાઈ ઇકત્યાભાઈ પવારના ઘર પાસે તેના પતિ વિજયભાઈ મોટરસાઇકલ પર આવી, પત્ની સાથે ગાળા ગાળી કરી તેમજ એકદમ ઉશ્કેરાઈ જતા કણીકાબેનને વાંસના ડંડા વડે માર મારવામાં આવ્યો હતો.જ્યારે કણિકાબેને બૂમાબૂમ કરી સગા સંબંધીઓ તેમજ આજુબાજુના લોકો દોડી આવતા વિજયભાઈ ત્યાંથી નીકળી ગયેલ અને જતા જતા કહ્યું હતું કે આજે તો તું બચી ગઈ. બીજી વખત આવશે તો જાનથી મારી નાખીશ જેવી ધમકી પણ આપી હતી. જે બાદ ગંભીર ઈજાઓના કારણે સારવાર હેઠળ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અને પીડિત કણિકાબેન તેના પરિવાર જોડે ચર્ચા કરી પતિ વિજયભાઈ વિરુદ્ધ વઘઈ પોલીસ મથકે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.