આહવા અને વઘઈ ખાતે મુસ્લિમ સમાજે કોમી એખલાસની ભાવના સાથે મોહરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવા અને વઘઈ ખાતે મુસ્લિમ સમાજે કોમી એખલાસની ભાવના સાથે મોહરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરી
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાનાં આહવા અને વઘઈ ખાતે ત્યાગ અને બલિદાનનાં પર્વ એવા મહરમ શરીફની ઉજવણી કરવામાં આવી. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા તેમજ પ્રવેશદ્વાર વઘઈ ખાતે કોમી એખલાસની ભાવના સાથે મોહરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ રાણી ફળિયામાં મોહરમ પર્વ નિમિત્તે સુન્ની જમાત દ્વારા તાજિયાનું જુલૂસ કાઢવામાં આવ્યુ હતુ. તાજીયામાં વિવિધ કલાત્મક તાજીયા લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓની કોમી એકતા અને એખલાસની ભાવના સાથે એકત્ર થઈને સૌ લોકો ઝુલુસમાં જોડાયા હતા. મુસ્લિમ સમાજ એકત્ર થઇ સત્ય અને અસત્યની લડાઈમાં ઈમામ હુસૈન અને તેમના વફાદાર સાથીઓએ કરબલાના મેદાનમાં ધર્મની રક્ષા અને સત્ય માટે શહાદત વહોરી હતી જે સત્યની લડાઈમાં જુલ્મ અત્યાચાર સામે ત્યાગ બલિદાન આપી સમગ્ર દુનિયાને શાંતિ અને સબ્રનાં પાઠ શીખવનાર હજરત ઈમામ હુસૈન તથા કરબલાના શહીદોની સ્મૃતિમાં આહવા નગર તથા વઘઇ નગરમાં જુદા જુદા વિસ્તારોના સમાજના લોકોને ઠંડા પીણાં દૂધ શરબત વિતરણ કરવામાં આવ્યુ હતુ.
મહત્વનું એ છે કે સમગ્ર ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે ૨૫ વર્ષથી એક જ તાજીયો કાઢવામાં આવે છે. અને તેમાં સૌ હિન્દુ-મુસલમાન ભાઇ-બહેનો જોડાય છે. ડાંગ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આહવા અને વઘઈ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ઉજવણી કરવામાં આવી હતી..