ડાંગ જિલ્લામાં ચોમાસૂ સિઝન–૨૦૨૪ની પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકા દીઠ લાઇઝન અધિકારીશ્રીઓની નિમણુક કરાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં ચોમાસૂ સિઝન–૨૦૨૪ની પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકા દીઠ લાઇઝન અધિકારીશ્રીઓની નિમણુક કરાઇ:
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના આદેશ મુજબ, ચોમાસૂ સિઝન–૨૦૨૪ અન્વયે ભારે વરસાદ, પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓને પહોંચી વળવા માટે જરૂરી સાવચેતીનાં પગલાં લેવા, માહિતીઓની આપ-લે તેમજ સંકલન માટે તાલુકા દીઠ-વર્ગ ૧ નાં અધિકારીશ્રીઓને લાયઝન તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.
જેમાં આહવા તાલુકાના લાયઝન અધિકારી તરીકે પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, વઘઇ તાલુકાના લાઇઝન અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, તેમજ સુબિર તાલુકાના લાઇઝન અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી આશા વસાવાની નિમણુંક કરવામાં આવેલ છે.
આ તમામ અધિકારીશ્રીઓએ સંબંધિત તાલુકાઓમાં મુલાકાત લઇ, સતત દેખરેખ રાખવા, પરિસ્થિતિ પર નિયંત્રણ રાખી જરૂર જણાય મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તેમજ અન્ય લાઇન ડીપાર્ટમેન્ટના સંબંધિત અધિકારીશ્રીઓના સંપર્કમાં રહીને કામગીરી કરવા જણાવવામાં આવેલ છે.
દરમિયાન માનવમૃત્યુ/પશુમૃત્યુ/મકાન નુકશાની તથા અન્ય કોઇ પણ પ્રકારની નુકસાનીની વિગતો કલેક્ટર કચેરીને જાણ કરવા, તથા જિલ્લામાં ચોમાસાની રૂતુમાં ભેખડો ધસી પડવી, રોડ-રસ્તાઓ બંધ થવા, વીજ પુરવઠો બંધ થવો, વૃક્ષો પડવાના કારણે માર્ગ અવરોધાવા તથા અન્ય વિવિધ પ્રકારની ઘટનાઓનું સતત મોનીટરીંગ કરવા જિલ્લા કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ આદેશ કર્યો છે.