ડેડીયાપાડા પંથકમાં ઈંટોના ભઠ્ઠા પર બાળ મજૂરીનું દૂષણ વધ્યું
ખોખરાઉંમર ગામે ઈંટોના ભઠ્ઠા ઉપર કુમળી વયના બાળકો કામ કરતા મીડિયા કેમેરામાં કેદ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડા પંથકમાં ઈંટોના ભઠ્ઠા પર બાળ મજૂરીનું દૂષણ વધ્યું
ખોખરાઉંમર ગામે ઈંટોના ભઠ્ઠા ઉપર કુમળી વયના બાળકો કામ કરતા મીડિયા કેમેરામાં કેદ
ઈંટોના ભઠ્ઠા માલિકો સામે કાર્યવાહી કરવાની માંગ ઊઠી
ગ્રામિણ ટુડે,નર્મદા: નર્મદા જિલ્લામાં અનેક ઈંટ ભઠ્ઠાઓ અને હાથ ભઠ્ઠીઓ ગેરકાયદેસર ચાલે છે. ખાનગી જમીનો ભાડે રાખી આડેધડ ઈંટો પકવવાની પ્રવૃત્તિ સાથે વિપુલ પ્રમાણમાં માટી ખનન અને બાળ મજૂરી જેવાં દૂષણોની પ્રવૃત્તિઓ તેજ બની છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતા ઇંટના ભઠ્ઠાઓમાનાં કેટલાક ઈંટના ભઠ્ઠાઓ ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા નામ પૂરતી નોટિસ સ્થાનિક ખેડૂતોને પાઠવીને પોતાની કામગીરી પૂર્ણ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા કેટલાક ઈંટના ભઠ્ઠાના માલિકો દ્વારા સરકારના નીતિ નિયમો મુજબ ટેક્સ કે કર ભર્યા વગર નર્મદા જિલ્લાના સ્થાનિક આદિવાસી ખેડૂતો પાસે જમીન ભાડે પટ્ટે રાખી આ જમીનમાં ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓ ધમધમાવી રહ્યા છે. આ અંગે નર્મદાના વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ માત્ર નામ પૂરતી સરકારી તંત્રની નોટિસ આપી તેમના પાસે દંડરૂપે નજીવી રકમ લઈને પોતાની કાર્ય સમા થઇ ગયું છે એમ માની રહ્યા છે. જ્યારે આ ઈંટના ભઠ્ઠાઓ વાળા પોતાની મનમાની કરી લાખો રૂપિયાની રોકડી કરી રહ્યા છે.
ડેડીયાપાડા વિસ્તારમાં અલગ અલગ ગામોમાં ચાલતા ભઠ્ઠાઓમાં કામ કરતા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસી મજૂરો કામ કરી રહ્યા છે.
ડેડીયાપાડા તાલુકાના ખોખરાઉંમર ગામે આવેલા ઈંટ ભઠ્ઠાઓ પર મજૂરી કરતાં પરપ્રાંતીય મજૂરો પોતાનાં બાળકોને શાળાએ મોકલી શકતાં નથી. ગરીબી અને મજબૂરીવશ તેઓ કુમળી વયના બાળકોને મજૂરી કરાવતા હોય છે. તંત્રને ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરતાં બાળકો જોવા નથી મળતાં જેથી અનેક તર્ક વિતર્ક જોવા મળે છે. ડેડીયાપાડામાં આવેલા ઈંટોના ભઠ્ઠા પર વહેલી સવારેથી ભર તડકામાં પણ બાળ મજૂરી કરતાં કુમળી વયનાં બાળકો જોવા મળે છે. આ મામલે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.