ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ ઉપસ્થિતિ રહી ઉપયોગી સૂચનો રજૂ કર્યા
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામોની સાંપ્રત સ્થિતિનો તાગ મેળવી, જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જુના બાકી વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની, જિલ્લાના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ઉપયોગી માર્ગદર્શન આપતા પ્રભારી મંત્રીશ્રીએ, જિલ્લાના વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવાની જવાબદારી, અમલીકરણ અધિકારીઓની છે તેમ જણાવતાં, જિલ્લાના પદાધિકારીઓના પ્રશ્ન કે રજૂઆત બાબતે સૌને સંવેદનશીલ અભિગમ સાથે પ્રશ્નનો નિકાલ કરવાની સૂચના આપી હતી.
દરમ્યાન આગામી સંભવિત કાર્યક્રમો, બેઠકો વિગેરેનું આગોતરું આયોજન ઘડી સૂચારુ અમલીકરણની પણ સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.
બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, અગાઉના સરકારી કાર્યક્રમો દરમ્યાન કરાયેલા જુદા જુદા ખર્ચના બાકી ચૂકવણા, આહવા તળાવના પ્રશ્ને ભાવિ આયોજન, જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક, ૭/૧૨ અને ૮/અ માં રહેલી ક્ષતિઓની સુધારણાની કાર્યવાહી, ખેડૂત ખાતેદારોના પ્રોપર્ટી કાર્ડ અને ૭/૧૨ ની એન્ટ્રી, DGVCL ના લોખંડના પોલ બદલવા, પાણી પુરવઠા સબંધિત આગોતરું આયોજન, સુબીર ખાતે સરકીટ હાઉસ અને બસ સ્ટેન્ડની સુવિધા, જમીન માપણીના કેસોમાં થતો વિલંબ નિવારવા, વિવિધ યોજનાકીય કામોની બચત રકમ સત્વરે જમા કરવા, માલેગામ ઘાટમાર્ગ અને શામગહાન ખાતે થતા અકસ્માતો નિવારણ અંગેના પગલાં, BSNLના ટાવરો સહિત FRA ની અરજીઓ સંદર્ભે વિવિધ પ્રશ્નો રજૂ કરી, તેના નિવારણની દિશામાં કાર્યવાહી હાથ ધરવાનો અનુરોધ કર્યો હતો.
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં મંત્રી શ્રી કુવરજીભાઇ હળપતિ સહિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન, ઇન્ચાર્જ કલેકટર શ્રી બી.બી.ચૌધરી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ, અને સંકલન સમિતિના સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભારી મંત્રીશ્રીની બેઠક સાથે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાની ટ્રાફિક સલાહકાર સમિતિ, કાયદો અને વ્યવસ્થા, ઘન કચરાનું વ્યવસ્થાપન, ઇઝ ઓફ ડૂઇંગ જેવી શ્રેણીબધ્ધ બેઠકોનું પણ, જિલ્લા વહીવટી તંત્રે આયોજન કર્યું હતું. જેમાં કલેકટર શ્રી બી.બી.ચૌધરીએ સબંધિત અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
દરમિયાન જિલ્લા માહિતી કચેરી દ્વારા રાજ્ય સરકારના મુખપત્ર એવા “ગુજરાત” પાક્ષિક તથા “રોજગાર સમાચાર” સાપ્તાહિકના ગ્રાહક નોંધણી ઝૂબેશની હાથ ધરાયેલી કામગીરીમાં જિલ્લાની તમામ કચેરીઓને સહયોગ આપવાની પણ કલેકટર શ્રી બી.બી.ચૌધરીએ અધ્યક્ષ સ્થાનેથી અપીલ કરી હતી.