જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત બેઠક યોજાઈ:
ભરૂચ: “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ “કિશોરી ઉત્કર્ષ પહેલ”ની અંતર્ગત જણાવ્યું કે જિલ્લાની ૧૦ થી ૧૯ વર્ષની દિકરીઓની શારિરીક, માનસિક, તથા સામાજિક ઉત્કર્ષ અંગે યુનિસેફ તથા વડોદરાની એમ એસ યુનિવર્સિટિના સંયુક્ત ઉપક્રમે આગામી દિવસોમાં આ પહેલ અમલમાં આવનારી છે.
જેમાં કિશોરીઓને ન્યુટ્રીશિયન,આરોગ્ય અને હાઈજિન બાબતે તથા સરકારી યોજનાઓનો લાભ અંગે જાગૃતિ કેળવાય તે અંગે પહેલ હાથ ધરવામાં આવી છે.જે પૈકી ગ્રામ્ય કક્ષાએ સ્પર્ધાત્મક વાતાવરણ પૂરુ પાડી “ગ્રામ આદર્શ કિશોરી” ની પસંદગી કરવામાં આવશે.તે જ પ્રમાણે તાલુકા કક્ષાએ અને ત્યારબાદ જીલ્લા કક્ષાએ પણ આ પહેલ શરૂ કરવામાં આવશે.
આ પહેલમાં ભરૂચ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં રહેતી કિશોરીઓનો સમાવેશ કરવામાં આવશે.“કિશોરી ઉત્કર્ષ પહેલ”માં કિશોરીઓની તાલીમ માટે આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ વિભાગ તથા શિક્ષણ વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત વડોદરાની એમ.એસ. યુનિવર્સિટિ તથા યુનીસેફનો પણ આ પહેલમાં સહયોગ સાંપડશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધસકારી શ્રી યોગેશ ચૌધરી ઉપરાંત આરોગ્ય વિભાગના નિયામક ડૉ જે એલ દુલેરા ઉપરાંત અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.