ડાંગ જિલ્લામાં “વિશ્વ તમાકુ નિષેધ દિન”ની ઉજવણી કરાઇ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં “વિશ્વ તમાકુ નિષેધ દિન”ની ઉજવણી કરાઇ
દિનકર બંગાળ,વઘઈ: સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા.૩૧ મી મે “વિશ્વ તમાકુ નિષેધ દિન”ની ઉજવણી કરવામાં આવે છે. જે માટે WHO દ્વારા, દર વર્ષે તેની થીમ નક્કી કરવામાં આવે છે. જે મુજબ ચાલુ વર્ષે “Protecting Children from Tobacco industry interference” (તમાકુ ઉધોગના હસ્તક્ષેપથી બાળકોનું રક્ષણ) થીમ ઉપર ઉજવણી કરવામાં આવી રહી છે.
જેમાં તમાકુ ઉધોગના હાનિકારક ઉત્પાદનોથી યુવાનોને લક્ષ્ય બનતા રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ધ્યેય નક્કી કરાયો છે.
“વિશ્વ તમાકુ નિષેધ દિન”ની ઉજવણી અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સુબીરના આચાર્યા શ્રી મિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ સુબિર આઇ.ટી.આઇના અલગ અલગ કેડરના વિદ્યાર્થીઓને તમાકુ નિષેધ વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ તમાકુ નિષેધ માટેનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ડાંગ જિલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા સાપુતારા વિસ્તારમાં COTPA-2003 (સિગારેટ અધર એન્ડ ટોબેકો પ્રોડક્ટ એક્ટ) અધિનિયમની અમલવારી થાય તે હેતુથી, આકસ્મિક ચેકિંગ/રેડ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ એમ.ગામીત, તેમજ સાપુતારા PSI નિખિલ ભોયાના માર્ગદર્શન હેઠળ, શ્રીમતી રસીલાબેન સી. ચૌધરી (NTCPSW), તથા સાપુતારા પોલીસકર્મીઓ, અને (MPHW) ટીમ દ્વારા COTPA-2003 અધિનિયમ હેઠળ કલમ-૪ અને કલમ-૬ (a) માં કુલ-૧૧ કેસ અને રૂ.૨૨૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ આહવા સિવિલ હોસ્પિટલ, તથા તાલુકાની તમામ પી.એચ.સી.માં મેડીકલ ઓફિસરોને, તમાકુ નિયંત્રણ અધિનિયમ COTPA-2003 ની વિવિધ કલમોનું અમલીકરણ અને દંડ અને વસુલાતની સુચના આપવામાં આવી છે.