ડાંગમાં ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મહેશ પટેલની ઉપસ્થિત વચ્ચે ચૂંટણી સબંધિત ઝોનલ ઓફિસરોની તાલીમ યોજાઇ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગમાં ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મહેશ પટેલની ઉપસ્થિત વચ્ચે ચૂંટણી સબંધિત ઝોનલ ઓફિસરોની તાલીમ યોજાઇ
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: આજરોજ ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મહેશ પટેલની ઉપસ્થિતમાં, ચૂંટણી સબંધિત ઝોનલ ઓફિસરોની તાલીમ યોજાઇ હતી. જેમાં ૬૪ (૬ રિઝર્વ) ઝોનલ ઓફિસરોને તાલીમ અપાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મહેશ પટેલે તમામ ઝોનલ ઓફિસરોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં મુક્ત અને શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થાય તેની જવાબદારી આપણા સૌની છે. ઝોનલ ઓફિસરોને પોતાની જવાબદારીઓ સુયોગ્ય રીતે, અને આત્મવિશ્વાસ સાથે કામગીરી પૂર્ણ કરવા, તથા ચૂંટણી પ્રક્રિયામાં ધ્યાન રાખવાની બાબતો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
ભુતકાળમાં ચૂંટણી દરમિયાન બનેલી ધટનાઓ વર્ણવી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સાવચેતી પુર્વક પોતાની કામગીરી કરવા સાથે, પોતાના કાર્યથી વાકેફ રહેવા ઉપરાંત, મતદાર અન્ય કોઇ પણ પ્રલોભનથી પ્રભાવિત ન થાય તે અંગે પણ સાવચેતી રાખી, દરેક મતદારોમાં વિશ્વાસ કેળવવા, અને મુક્ત રીતે ચૂંટણી યોજાય તે સુનિશ્ચિત કરવા પણ શ્રી મહેશ પટેલે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી, તમામ ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ચૂંટણી પુર્વે, ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ ધ્યાને લેવાની બાબતો, આદર્શ આચાર સંહિતા, ચૂંટણીની પુર્વ સંધ્યાએ જરૂરી સ્ત્રોત તથા સામગ્રીઓ, મતદાન દિવસની જવાબદારી, ઇવીએમ મશીન, વીવી પેટ મશીનનો ડેમો અને જરૂરી બાબતો વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
આ તાલીમમાં નોડલ ઓફિસર (મેન પાવર મેનેજમેન્ટ) અને અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એમ.કે.ખાંટ તેમજ ઝોનલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા